Tu ane hun,bas biju su
હજી ઉત્તરાયણનો થાક ઉતર્યો ન હતો. એક પછી એક, મંદ ગતિએ પેશન્ટ જોવાનું કામ ચાલતું હતું. ત્યાં એક યુવતી કન્સલ્ટીંગ રૂમમાં દાખલ થઇ. પહેલીજ વાર એને જોઈ એટલે સહજ વિચાર આવ્યો કે નવો કેસ? પણ હું કંઇ વાત ચાલુ કરું તે પહેલા જ એ બોલી ” સર, હું પેશન્ટ નથી, પણ તમારો આભાર માનવા આવી છું.”
મેં તેને બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું “આભાર? શેના માટે?!”
એણે સન્માન ભરી નજરે મારી સામે જોયું “સર તમારે કારણે મારા મુરઝાયેલા જીવનમાં વસંત પ્રાંગરી ઉઠી છે. મારા પતિ છેલ્લા ત્રણ વર્ષથી મને બોલાવતા નહતા અને હું મારા પિયરમાં જ રહેતી હતી. ગઈકાલે અચાનક એ મારે ત્યાં આવ્યા અને મારો હાથ પકડીને મને કહ્યું ‘આઈ એમ સોરી’. એમની આંખો ભીની હતી અને બીજા હાથમાં તમારું લખેલું પુસ્તક ‘પણ,હું તો તને પ્રેમ કરું છું!’ હતું. એણે મને કહ્યું કે હું તને લેવા આવ્યો છું. આ પુસ્તકે મને મારી ભૂલો સમજાવી દીધી છે.તારી લાગણીઓ; જે હું નહતો કળી શકતો તે આજે આ પુસ્તકને વાંચ્યા પછી મને સમજાઈ ગઈ છે. તું મને માફ કરીશ? પ્લીઝ મને માફ કરી દે અને તું અત્યારેજ મારી સાથે આપણા ઘરે ચાલ. હું તને લેવા આવ્યો છું. મને તે પહેરેલા કપડે અમારે ઘરે લઇ આવ્યો. સર, તમારા પુસ્તકે મારું લગ્નજીવન બચાવી લીધું. થેંક યુ સર,ઈશ્વર તમને ખુબ લાંબી આવરદા આપે” એની આંખોમાં પાણી હતા અને હું તેની મારા પરત્વેની લાગણીઓથી ભીંજાયેલો!
આવા અનેક પ્રતિભાવોએ મને એક ગજબનું આત્મબળ પૂરું પાડ્યું છે અને તેના ફલસ્વરૂપ; સંબંધોની સાવ સાચી સમજ વધારતું, દરેકના જીવનને સ્પર્શતું વધુ એક પુસ્તક ‘તું અને હું, બસ બીજું શું ?!’ આપના હાથમાં મુકતા હું અવર્ણનીય આનંદ અનુભવી રહ્યો છું. સ્ત્રી અને પુરુષ મળે, એક પ્રેમ-સંબંધ આકાર પામે અને પછી તો થાય કે બસ આપણે મળ્યા પછી બીજું તો શું જોઈએ. આવા પરસ્પર વિશ્વાસે સંબંધો શરુ થાય પરંતુ સાથે જીવતાં જીવતાં ડગલે અને પગલે થાય કે આપણા બે સિવાય પણ બીજું ઘણું જોઈએ. આ ‘બીજું શું?!’ ની વાત ‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ માં રહેલા ‘પણ’ જેવી જ છે અને તેના થકી સર્જાયું આ નવું પુસ્તક. આ બધી સહજ વાતો સહજીવનમાં એટલી જ ઉપયોગી નીવડશે તેવી આશા સહ ‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ પુસ્તકની વાતો આગળ ધપાવતું નવું પુસ્તક આપના હાથમાં મુકું છું.