Depression vishe tunku tach ane sidhusat – Part-I
(Part-1 & 2)
એકવીસમી સદીમાં માનવજાતને પીડા આપનાર અને જીવલેણ સાબિત થઇ શકનાર રોગોનો અગ્રતાક્રમ હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક્ હેલ્થે; વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બેંકની સહાયથી પ્રકાશિત કર્યો છે. આ અગ્રતાક્રમમાં ‘ડીપ્રેશન’ નામની માનસિક બીમારી બીજા સ્થાને છે. ઘણાં બુદ્ધિજીવીઓને ‘ડીપ્રેશન’નો આ ક્રમ આશ્ચર્ય પમાડતો હશે અને તે મનોમન વિચારતા હશે કે ‘ડીપ્રેશન’ને બીજા ક્રમમાં મુકવું પડે તેવી તો કેવી પીડા એ આપી શકે?! અને જીવલેણ તો કેવીરીતે સાબિત થઇ શકે?!! આપણે ત્યાં કહેવત છે કે ‘પ્રસુતાની પીડા વંધ્યા શું જાણે’? બસ,’ડીપ્રેશન’ની બાબતમાં પણ આવું જ છે. ‘ડીપ્રેશન’ કેવી પીડા આપી શકે, એ તો એનાથી પીડાઈ રહેલી કે પીડાઈ ચૂકેલી વ્યક્તિ જ સાચી રીતે સમજી શકે છે. “આના કરતાં કેન્સર સારું”, “ભાંગેલા પગે પથારીમાં એક વર્ષ પડ્યા રહી શકાય પરંતુ ‘ડીપ્રેશન’મા એક મીનીટ પણ પસાર કરવી અસહ્ય છે”, “બીજી કોઈપણ શારીરિક બીમારીની વેદના સહન કરી શકીશ પરંતુ મનની હતાશાની રજમાત્ર વેદનાથી હું કંપી જાઉં છું” વગેરે વાક્યો આ દર્દીઓની આપવીતીની ઝલક માત્ર છે.
‘ડીપ્રેશન’ મનની સ્થિતિને લગતો એક જૈવિકરોગ છે. આ એ જ બીમારી છે જેણે ચર્ચિલ, લિંકન, ગુરુદત્ત, મીનાકુમારી, સાયગલ જેવા મહાનુભાવોને પણ નથી છોડ્યા. સાઈઠ ટકા વ્યસનીઓના વ્યસન સાથે, પચાસ ટકાથી પણ વધુ અકસ્માતો સાથે અને આત્મહત્યાના સિત્તેર ટકાથી પણ વધુ કિસ્સાઓ સાથે સીધી કે આડકતરી રીતે આ રોગ સંકળાયેલો જોવા મળે છે. આવી ઘણી આશ્ચર્યજનક વાસ્તવિકતાઓ વચ્ચે સૌથી દુખદ વાત એ છે કે ‘ડીપ્રેશન’થી પીડાતી વ્યક્તિઓ પૈકી માત્ર વીસ થી ત્રીસ ટકા જ આ રોગની સાચી અને યોગ્ય સારવાર લઇ રહ્યા છે !
એકવીસમી સદીની આ મહામારી અંગે જરૂરી એવી તમામ માહિતીને આવરી લેતા લેખોનું આ પુસ્તક ‘ડીપ્રેશન’થી પીડાતી વ્યક્તિઓ અને તેમના સગા-વહાલાઓ માટે સચોટરીતે મદદરૂપ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ‘ડીપ્રેશન’ વિશે લખાયેલી ટૂંકીટચ (માત્ર વ્યવહાર ઉપયોગી) અને સીધીસટ (ગોળ ગોળ કશું જ નહી) એવી વાતો દરેકને એક નવું જ પ્રેરકબળ પૂરું પાડશે તે નક્કી……